હવે ૧૫ એપ્રિલ સુધીમાં નદીમાંથી પાણી ખાલી થવાને લીધે વાસણા બેરેજનું સમારકામ ૧૫ એપ્રિલથી શરૂ થશે. બીજી તરફ બેરેજના સમારકામની ૬૦ દિવસની સમયમર્યાદા જોતા, ૧૫ જૂને ચોમાસું બેસી ગયા પછી નિયમ મુજબ કામગીરી થઈ શકે નહીં. તેથી હાલ નદીમાં નવા નીર આવતા નથી. હવે ૧૨થી ૧૫મી એપ્રિલ દરમિયાન પાણી છોડીને નદી ખાલી કર્યા બાદ કામ શરૂ કરાશે. બેરેજના ૧૮ દરવાજા રિપેર કરનાર કોન્ટ્રાક્ટરે ૬ દરવાજા સ્થળ પર ઉતારી દીધા છે, પરંતુ હવે જગ્યા ન હોવાથી બાકીનો સામાન ૧૦મી એપ્રિલ પછી ઉતારશે.

આ સંજોગોમાં કોન્ટ્રાક્ટરોએ રાત-દિવસ યુદ્ધના ધોરણે કામ કરવું પડશે

વાસણા બેરેજના ૧૮ દરવાજા બદલવા સહિતના કામો માટે ૯ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલંબને કારણે ખર્ચ વધવાની પણ શક્યતા છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેહવાડી વિસ્તારના ખેડૂતોએ ૧૫ એપ્રિલ સુધીમાં પાણીનો છેલ્લો જથ્થો આપવાની માંગ કરી હતી. રાજ્યના સિંચાઈ વિભાગે ચૂંટણીને ધ્યાને રાખી ખેડૂતોની આ માંગ સ્વીકારી લીધી હતી. બીજી તરફ, ૧ એપ્રિલે નદી સંપૂર્ણ ખાલી કરવાની હોવાથી ગત ૨૬મી માર્ચથી ઉપરવાસમાંથી પાણી બંધ કરી દેવાયું હતું.

તૂટેલા સુભાષબ્રિજના સ્પાનની કામગીરીમાં વિલંબ થશે

ગત પહેલી એપ્રિલના રોજ નદી ખાલી થવાની હતી. ત્યારે વાસણા બેરેજની સાથે સુભાષબ્રિજના તૂટી ગયેલા સ્પાનની કામગીરી પણ શરૂ થવાની હતી. પરંતુ હવે ૧૫મી એપ્રિલે નદી ખાલી કરવાના નિર્ણયને લીધે સુભાષબ્રિજના રિપેરીંગમાં પણ વિલંબ થશે. ૧૫મી જૂનથી ચોમાસું શરૂ થઈ જતાં બ્રિજના કોન્ટ્રાક્ટરને વધુ મુશ્કેલીઓનો સામેનો કરવો પડશે. એએમસી (AMC) ના સત્તાધીશો પણ આ મામલે સ્પષ્ટ જવાબ આપવાને બદલે છટકબારી શોધી રહ્યા છે.


આ પણ વાંચો : Ahmedabad News : ગેસ સિલિન્ડરની અછતથી CUGની મેસમાં વિવાદ, રસોઈમાં કાપ મૂકાતા વિદ્યાર્થીઓમાં રોષ