અમદાવાદ જિલ્લામાં ખાસ સઘન મતદારયાદી સુધારણા(SIR) ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૬૨.૫૯ લાખ મતદારોમાંથી ૭૦ ટકાથી વધુની વિગતોનું ડિજિટાઇઝેશન થઈ ચૂક્યું છે. જ્યારે જે મતદારો હજી સુધી કોઈ પણ કારણસર જમા કરાવી શક્યા નથી, તેમના માટે તમામ વિધાનસભા મતવિસ્તારોમાં શનિવાર તા. ૨૯ તથા રવિવારે ૩૦ નવેમ્બરે એમ બે દિવસ કુલ ૫૦ સ્થળોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન
આ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના જણાવ્યા અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શહેર-જિલ્લાના તમામ મતદારોને તેમના બાકી રહેલા ફોર્મ્સ તાત્કાલિક ભરીને BLOને પરત જમા કરાવવા અને આ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયામાં સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેથી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશની આ કામગીરી સ્વચ્છ, ક્ષતિરહિત અને પારદર્શક બની રહે. વધુમાં, મતદારો પોતાના ફોર્મ એક જ સ્થળે જમા કરાવી શકે તે માટે જિલ્લાના તમામ મતવિસ્તારોમાં નિયત સ્થળોએ શનિવાર તા. ૨૯ના રોજ બપોરે ૧૨ થી સાંજે ૫ વાગ્યા સુધી અને રવિવાર તા. ૩૦ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા દરમિયાન વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.













