અમદાવાદ શહેરમાં સરકારી ખર્ચે નવા કતલખાના બનાવવાના વિવાદિત પ્રોજેક્ટ મામલે આખરે સંદેશ ન્યૂઝના અહેવાલની જોરદાર અસર જોવા મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો ઉપયોગ કરીને કતલખાના નિર્માણ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેની સામે શહેરભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સંદેશ ન્યૂઝ દ્વારા આ મુદ્દે પ્રજાનો અવાજ ઉઠાવવામાં આવતા અને સતત ધારદાર અહેવાલો પ્રસારિત કરવામાં આવતા તંત્રને આખરે નમતું જોખવું પડ્યું છે અને આ વિવાદિત દરખાસ્તને સત્તાવાર રીતે નામંજૂર કરી દેવામાં આવી છે.
સંદેશ ન્યૂઝના અહેવાલની મોટી અસર
શહેરના વિકાસ માટે વપરાતા જાહેર નાણાંનો ઉપયોગ કતલખાના જેવી પ્રવૃત્તિઓ માટે કરવાના નિર્ણય સામે જનતામાં ઉગ્ર રોષ હતો. લોકોનું કહેવું હતું કે શાળાઓ, બગીચાઓ અને હોસ્પિટલો પાછળ ખર્ચ કરવાને બદલે તંત્ર હિંસાને પ્રોત્સાહન આપતા પ્રોજેક્ટ્સ લાવી રહ્યું છે. જોકે, સંદેશ ન્યૂઝે આ મામલે મક્કમતાથી અહેવાલ રજૂ કરતા AMCએ પોતાની ભૂલ સુધારવી પડી છે. હવે અમદાવાદમાં સરકારી ખર્ચે કોઈ નવું કતલખાનું નહીં બને, જેને પગલે જનતા અને જીવદયા પ્રેમીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે.













