વલસાડ તાલુકામાં માળખાગત સુવિધાઓની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે. અતુલથી દિવદ ગામને જોડતા મહત્વના બ્રિજ પર મોટું ગાબડું પડતા સ્થાનિક વાહનચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્રિજ પરનો સિમેન્ટ ક્રોંક્રીટનો વેરિંગ કોટ સંપૂર્ણપણે ઉખડી ગયો છે, જેના કારણે બ્રિજમાં વપરાયેલા લોખંડના સળિયા બહાર દેખાવા લાગ્યા છે. આ સ્થિતિ માત્ર વાહનો માટે જ નહીં, પણ બ્રિજની મજબૂતી માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
બ્રિજ બન્યા જોખમી
બ્રિજની સુરક્ષાને લઈને સ્થાનિકોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ આ બ્રિજ પર સ્ટ્રીટ લાઈટના અભાવે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, અને હવે રસ્તાની આ જર્જરિત હાલતે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, વહીવટી તંત્રની રાહ જોયા વગર કંટાળેલા સ્થાનિક લોકોએ પોતાની સુરક્ષા માટે જાતે જ ફાળો ઉઘરાવી બ્રિજ પર RCCનું પેચવર્ક કામ શરૂ કર્યું છે. લોકશાહીમાં જ્યારે જનતાએ જાતે રસ્તા રિપેર કરવા પડે, ત્યારે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થાય છે.
