અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની વકરી રહેલી સમસ્યા અને તેના કારણે સર્જાતા અકસ્માતોને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રખડતા ઢોર પોલિસીનું કડક અમલીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પોલિસીને ક્ષતિરહિત રીતે લાગુ કરવા માટે મનપા કમિશનર દ્વારા બે વરિષ્ઠ અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ કમિશનર સૌરભ શાહ અને CNCD (Cattle Nuisance Control Department) ના વડા નરેશ રાજપૂતને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તંત્રનો ઉદ્દેશ્ય શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોને ઢોર મુક્ત બનાવી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
પશુપાલકોની ખેર નથી
વહીવટી તંત્ર દ્વારા આ બંને અધિકારીઓ વચ્ચે ઝોન વાઈઝ વહેંચણી કરવામાં આવી છે, જેથી દરેક વિસ્તારમાં પોલિસીના અમલીકરણ પર ઝીણવટભરી નજર રાખી શકાય. નવી વ્યવસ્થા મુજબ, રસ્તા પર ઢોર પકડવાની ઝુંબેશ તેજ કરવામાં આવશે અને પશુઓને રખડતા છોડી દેનારા પશુપાલકો સામે આકરા દંડનીય પગલાં લેવામાં આવશે. આસિસ્ટન્ટ કમિશનર અને CNCD ના HOD ની સીધી દેખરેખ હેઠળ કામગીરી થવાથી વહીવટી પ્રક્રિયામાં ગતિ આવશે અને જવાબદારી નક્કી કરવી સરળ બનશે. મનપાના આ કડક વલણને કારણે શહેરમાં રખડતા ઢોરના દબાણમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.













