ભારતીય રેલવે દ્વારા આજથી મુસાફરોના ભાડામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે લાંબા અંતરની મુસાફરી હવે મોંઘી બનશે. નવા દરો મુજબ, એક્સપ્રેસ ટ્રેનોના એસી (AC) અને નોન-એસી (Non-AC) એમ બંને કેટેગરીમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો અમલી બન્યો છે. આ વધારો મુખ્યત્વે લાંબા અંતરના પ્રવાસીઓના ખિસ્સા પર બોજ નાખશે. રેલવે તંત્રના અંદાજ મુજબ, આ ભાડા વધારાને કારણે વિભાગને વાર્ષિક અંદાજે 600 કરોડ રૂપિયાની વધારાની આવક થવાની શક્યતા છે, જેનો ઉપયોગ રેલવેની માળખાકીય સુવિધાઓ સુધારવા માટે કરવામાં આવશે.

આજથી નવો દર લાગુ

રેલવેએ સામાન્ય વર્ગમાં મુસાફરી કરતા ટૂંકા અંતરના મુસાફરોને થોડી રાહ આપી છે. સામાન્ય શ્રેણીમાં 215 કિલોમીટર સુધીના પ્રવાસ માટે ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જોકે, જો મુસાફરીનું અંતર 215 કિલોમીટરથી વધુ હશે, તો પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો ચૂકવવો પડશે. આજથી ટિકિટ બારી અને ઓનલાઇન બુકિંગમાં નવા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા છે. તહેવારો અને વેકેશનના સમયે જ્યારે મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે આ ભાવ વધારાની અસર સામાન્ય જનતાના બજેટ પર ચોક્કસપણે જોવા મળશે.