ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં લાંબા સમય બાદ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને સત્તાવાર રીતે 'ટાઇગર સ્ટેટ' જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 33 વર્ષથી વાઘની ગેરહાજરી બાદ આ દરજ્જો પરત મળતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી એક સાડા ચાર વર્ષનો નર વાઘ કાયમી ધોરણે સ્થાયી થયો છે. વાઘની સતત હાજરી અને તેના અનુકૂળ રહેઠાણને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.
માદા વાઘ લાવવાની પણ તૈયારી
રાજ્યમાં વાઘના પુનરાગમન સાથે હવે આગામી 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો પણ વિધિવત સમાવેશ કરવામાં આવશે. રતનમહાલમાં સ્થાયી થયેલા વાઘના કારણે આ વિસ્તારમાં ઇકો-ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિઓને વેગ મળશે. વાઘના કુદરતી વંશવેલાને આગળ વધારવા માટે વન વિભાગ દ્વારા હવે માદા વાઘની પણ માંગ કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં વાઘનો પરિવાર વિસ્તરી શકે. સિંહ અને દીપડા બાદ હવે વાઘની હાજરીથી ગુજરાત વન્યજીવ વૈવિધ્યમાં દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે.
