રાજકોટના પૂર્વ કલેક્ટર પ્રભવ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટના પાળ ગામની જમીનના એક વિવાદાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમને વ્યક્તિગત રીતે હાજર થવા માટે ફરમાન જારી કર્યું છે. આ મામલો પાળ ગામના 12 સર્વે નંબરની જમીન સાથે જોડાયેલો છે, જેને પૂર્વ કલેક્ટરે સરકારી જાહેર કરી તેનો કબ્જો લઈ લીધો હતો. આ નિર્ણય સામે જમીન માલિકે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કલેક્ટરે અગાઉના કોર્ટના હુકમનું મનસ્વી રીતે અર્થઘટન કરીને સત્તાનો દુરુપયોગ કર્યો છે.
જમીન કેસમાં નવો વળાંક
હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો છે. જમીન માલિકની દલીલ હતી કે કલેક્ટરે કાયદાકીય પ્રક્રિયાને નેવે મૂકીને જમીન હસ્તગત કરી હતી. કોર્ટે આ મામલે સ્પષ્ટતા મેળવવા અને જવાબ રજૂ કરવા માટે પ્રભવ જોશીને આગામી 22 જાન્યુઆરી, 2026 ના રોજ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો છે. આ હુકમથી મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉચ્ચ અધિકારી સામે કોર્ટના આ કડક વલણને પગલે હવે આગામી દિવસોમાં આ જમીન કેસમાં નવો વળાંક આવવાની શક્યતા છે.
