સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સર્વ જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન.વી. અંજારિયા, જસ્ટિસ વિપુલ પંચોલી, ગુજરાતના નાયબ સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ તથા સેન્ટરના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતેથી ‘ઇન્સ્ટિટ્યુશનલ આર્બિટ્રેશન એટ અ ક્રોસરોડ્સ: ચેલેન્જીસ એન્ડ ધ વે ફોરવર્ડ’ વિષયક એક મહત્વપૂર્ણ કોન્ફરન્સનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરના ન્યૂઝલેટરનું વિમોચન અને સેન્ટરની રિ-ડિઝાઇન કરાયેલી નવી વેબસાઇટનું પણ લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર અને ગુજરાત રાજ્ય કાયદાકીય સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પક્ષકાર વ્યવસાયિક અને સુવિધાજનક આર્બિટ્રેશન સેન્ટરમાં પ્રવેશ કરે છે
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટ આર્બિટ્રેશન સેન્ટરના નવા અત્યાધુનિક ભવનનો શિલાન્યાસ અને સંસ્થાકીય આર્બિટ્રેશનના ભવિષ્ય પર યોજાઈ રહેલી કોન્ફરન્સ દેશના વિવાદ નિવારણ માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભૌતિક માળખું (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) એ માત્ર વહીવટી સગવડ નથી, પરંતુ તે સંસ્થાની ગંભીરતા અને વિશ્વસનીયતાનો સંકેત છે. જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય રોકાણકાર કે પક્ષકાર વ્યવસાયિક અને સુવિધાજનક આર્બિટ્રેશન સેન્ટરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમને વિશ્વાસ બેસે છે કે તેમના વિવાદનું યોગ્ય અને તટસ્થ નિરાકરણ આવશે.
આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે
મુખ્ય ન્યાયમૂર્તિએ વધુમાં ઉમેર્યું હતું કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ અને ટેકનોલોજીના ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે, ત્યારે વિદેશી રોકાણકારો માટે પરંપરાગત કાયદાકીય પ્રક્રિયા કરતા સંસ્થાકીય આર્બિટ્રેશન વધુ મહત્ત્વનું બની જાય છે. તેમણે આ ક્ષેત્રમાં આવતા પડકારો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આપણે માત્ર કાગળ પરના નિયમોથી નહીં, પરંતુ પારદર્શક અને ન્યાયી પ્રક્રિયા દ્વારા પક્ષકારોનો વિશ્વાસ સંપાદિત કરવો પડશે. ભારતે આર્બિટ્રેટર્સની ગુણવત્તા અને તાલીમમાં રોકાણ કરવાની જરૂર છે. જેથી ભારત વૈશ્વિક સ્તરના આર્બિટ્રેશન કેન્દ્ર તરીકે ઊભરી શકે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી વેબસાઇટ અને ન્યૂઝલેટરના લોન્ચિંગને બિરદાવતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવી સુવિધાઓથી ભારતની આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે.
આર્બિટ્રેશન વ્યવસ્થા વધુ સક્ષમ, ભરોસાપાત્ર અને આધુનિક બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ‘ગ્લોબલ આર્બિટ્રેશન હબ’ બનાવવાના સંકલ્પ સાથે ન્યાય પ્રક્રિયામાં અનેક સુધારાઓ થઈ રહ્યા છે. તેમાં આજે ગુજરાતના ન્યાયતંત્ર માટે એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. ભારતમાં આર્બિટ્રેશનની પરંપરા સદીઓ જૂની હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે, ઉપનિષદોમાં વર્ણવાયેલી મધ્યસ્થી સંસ્થાઓ અને પંચાયત પ્રણાલીની ‘પંચ પરમેશ્વર’ની ભાવનામાં જ આજના આધુનિક આર્બિટ્રેશનનું મૂળ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ઉદાહરણ સાથે તેમણે ઉમેર્યું કે વકીલનું સાચું કાર્ય બે વિભાજિત પક્ષોને એક કરવાનું છે અને આ વિચારધારા વર્તમાન આર્બિટ્રેશન સિસ્ટમનું હાર્દ છે.
2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં પાયારૂપ સાબિત થશે
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે 'સૌ માટે ન્યાય, સમયસર ન્યાય'ના અભિગમ સાથે રાજ્ય સરકાર ન્યાયિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા કટિબદ્ધ છે, તાજેતરમાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં આ હેતુસર કાયદા વિભાગ માટે ૨૭૦૦ કરોડ રૂપિયાથી વધુની માતબર જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત વેપાર અને ઉદ્યોગક્ષેત્રે વૈશ્વિક રોકાણનું અગ્રણી રાજ્ય હોવાથી ઝડપી વિવાદ નિવારણ માટે આર્બિટ્રેશન જેવી પદ્ધતિઓ ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને મજબૂત આધાર પૂરો પાડશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નિર્માણ પામનારું આ નવનિર્માણ થનારું આ સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ભવન અને લોન્ચ કરવામાં આવેલી નવી વેબસાઈટ મધ્યસ્થી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવશે અને તે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં પાયારૂપ સાબિત થશે.
ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમના યજમાન તરીકે ગુજરાત હાઇકોર્ટનાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે નિર્માણ પામનારા સ્ટેટ-ઓફ-ધ-આર્ટ આર્બિટ્રેશન સેન્ટર વિશે, તેમાં ઉપલબ્ધ થનાર સુવિધાઓ, સેન્ટરની જરૂરિયાત તથા તેના નિર્માણ અને સેન્ટરની રિડિઝાઈન કરાયેલી નવી વેબસાઇટ સહિતની બાબતો અંગે વિગતવાર જાણકારી આપી હતી. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિઓ જસ્ટિસ અરવિંદ કુમાર, જસ્ટિસ એન. વી. અંજારિયા અને ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને જી.એચ.એ.સી.ના પ્રેસિડેન્ટ તથા જી.એસ.એલ.એસ.એ.ના એક્ઝિક્યુટિવ ચેરમેન ન્યાયમૂર્તિ એ.વાય. કોગજે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અને બિલ્ડિંગ કમિટીના ચેરપર્સન ન્યાયમૂર્તિ એ.એસ. સુપેહિયા, રાજ્યના મુખ્ય એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ