અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત 'આભૂષણ જ્વેલર્સ' માંથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરીના હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. દુકાનમાં જ કામ કરતી કર્મચારી યુવતીએ પોતાના પરણિત પ્રેમી સાથે મળીને નવી દુનિયા વસાવવા માટે આ આખી ચોરીનો માસ્ટરપ્લાન ઘડ્યો હતો. જો કે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે દિલ્હીથી યુવતી હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી છે અને તેના દગાબાજ પ્રેમી મયુર માળીની પણ અટકાયત કરી લીધી છે.

1 કરોડ 60 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી હર્ષિદાએ અંદાજે રૂ. 1કરોડ 60 લાખની કિંમતના આશરે 1200 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. હર્ષિદા છેલ્લા પાંચ મહિનાથી વસ્ત્રાલમાં રહેતા મયુર માળીના સંપર્કમાં હતી. મયુરે તેને કીમતી દાગીના ચોરીને અન્ય શહેરમાં સેટલ થઈ જવાની લાલચ આપી હતી. લાલચમાં આવીને હર્ષિદાએ ચોરીને અંજામ આપ્યો અને બંને અમદાવાદથી બુલેટ બાઈક પર ઉદેપુર, ત્યાંથી જયપુર થઈને દિલ્હી ભાગી ગયા હતા.

પ્રેમીએ જ આપ્યો દગો

આ હાઈવોલ્ટેજ ડ્રામામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે દિલ્હી પહોંચ્યા બાદ પ્રેમી મયુર માળીએ હર્ષિદા સાથે દગો કર્યો હતો. તે હર્ષિદાને દિલ્હીમાં એકલી છોડીને કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદાને દબોચ્યા બાદ તેની કડક પૂછપરછ કરીને છેતરપિંડીના ગુનાહિત ઈતિહાસ ધરાવતા મયુર માળીને પણ ઝડપી લીધો છે. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ કીમતી દાગીના રિકવર કર્યા છે, જ્યારે બે દાગીના વેચાઈ ગયા હોવાની માહિતી મળી છે.

બંનેનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ

તપાસ દરમિયાન બંનેના અંગત જીવનના ચોંકાવનારા પાસાઓ પણ સામે આવ્યા છે. હર્ષિદાના અગાઉ ગોંડલ મુકામે લગ્ન થયા હતા, પરંતુ પારિવારિક તકરારને કારણે તે પિતાના ઘરે રહી નોકરી કરતી હતી. તણાવના કારણે તેણે અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજી તરફ મયુર માળી પણ પરણિત છે અને બંને ઉત્તર પ્રદેશમાં સેટલ થવાના હતા. હાલ પોલીસ બાકીના દાગીના જપ્ત કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો----      Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર