ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પદાધિકારીઓની નિમણૂકમાં થઈ રહેલા વિલંબને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે સંગઠન સ્તરે મોટાભાગની આંતરિક કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં નવા પદાધિકારીઓના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

રજૂઆતો સાંભળવાનું કામ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ

ભાજપ પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતાએ ભાજપ પર અતૂટ વિશ્વાસ મૂકીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 90 ટકાથી વધુ સમર્થન આપ્યું છે. પક્ષના નિયમો અને આંતરિક લોકશાહીની પ્રક્રિયા મુજબ સ્થાનિક સ્તરે અને ઝોન વાઇઝ આગેવાનો તેમજ કાર્યકરોની સેન્સ લેવાનું અને રજૂઆતો સાંભળવાનું કામ શિસ્તબદ્ધ રીતે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે."

PM પ્રવાસને કારણે પ્રક્રિયા થોડી લંબાઈ હતી

નિમણૂકોમાં થઈ રહેલા વિલંબનું કારણ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને અન્ય મહત્વના કાર્યક્રમોના કારણે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકને થોડા સમય માટે સ્થગિત રાખવી પડી હતી. જોકે, પીએમના પ્રવાસ બાદ પ્રદેશ ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક ફરી એકવાર મળી હતી, જેમાં બાકી રહેલી ચર્ચાઓને આખરી ઓપ આપી દેવાયો છે.

પક્ષે પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક મોટાભાગે પૂર્ણ કરી લીધું

પ્રવક્તાના દાવા મુજબ પક્ષે પદાધિકારીઓની પસંદગીનું હોમવર્ક મોટાભાગે પૂર્ણ કરી લીધું છે. આગામી 22 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મોટાભાગના હોદ્દેદારો અને પદાધિકારીઓની નિમણૂકો જાહેર કરી દેવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. આ નિવેદન બાદ હવે ટૂંક સમયમાં જ વહીવટી તંત્રને નવા પદાધિકારીઓ મળી જશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


આ પણ વાંચો----     Vadodara : હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ, પ્રેમજાળમાં ફસાવી વેપારી પાસેથી 75 લાખ ખંખેર્યા