અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા આશિષ નામના યુવકે ગત 15 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરની નભોઈ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાના પાંચ મહિના બાદ હવે એક ચોંકાવનારો વીડિયો અને કોલ રેકોર્ડિંગ સામે આવતા પોલીસે યુવતીના પિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, આશિષ અને એક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. જોકે, યુવતીના પિતાને આ સંબંધ મંજૂર નહોતો. આશિષના પરિવારે આક્ષેપ કર્યો છે કે યુવતીના પિતાઆશિષને ફોન કરી ધમકીઓ આપતા હતા. આ ધમકીઓથી કંટાળી આશિષે જાન્યુઆરીમાં જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.

વીડિયો કોલ કરી મોતને વહાલું કર્યું

ચોંકાવનારી વાત એ છે કે, આશિષ જ્યારે નભોઈ કેનાલ પર પહોંચ્યો ત્યારે તેણે પોતાની પ્રેમિકાને વીડિયો કોલ કર્યો હતો. તેના મિત્રની હાજરીમાં જ આશિષે "હું હવે જીવવા નથી માંગતો" તેમ કહી કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. યુવકના મોબાઈલમાંથી ધમકી આપતા કોલ રેકોર્ડિંગ્સ પણ મળી આવ્યા છે, જે પુરાવા તરીકે પોલીસને સોંપવામાં આવ્યા છે.

યુવતીના પિતા સામે ફરિયાદ

પરિવારના લાંબા સંઘર્ષ બાદ ઓઢવ પોલીસે હવે આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ હેઠળ યુવતીના પિતા સામે ફરિયાદ નોંધી છે. આ મામલે પોલીસ દ્વારા મોબાઈલ ડેટા અને વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો---    CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો