રાજ્યમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અલગ-અલગ જિલ્લાઓમાં તબક્કાવાર અસર જોવા મળશે.19 એપ્રિલે મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 20 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે.21 એપ્રિલે અમરેલી, ભાવનગર ઉપરાંત ભરૂચ અને સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે.

ખેડૂતો માટે માર્ગદર્શિકા

કમોસમી વરસાદની આગાહીને પગલે કૃષિ વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યું છે. ખેતરમાં કાપણી કરેલો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તાડપત્રીથી ઢાંકી દેવા સૂચના અપાઈ છે. ખાસ કરીને કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો: Mansa : ચડાસણા રામજીમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મિટિંગ