નિવૃત્તિ બાદ શાંતિપૂર્ણ જીવન જીવવાના બદલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર એ પોતાના જ પરિવારના સભ્યોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેતાચકચાર મચી ગઈ છે. નિવૃત્ત PI જયંતીભાઈ પરમારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે, પરંતુ મરતા પહેલા તેમણે લખેલી સુસાઇડ નોટમાં પોતાની વેદના ઠાલવી છે.
પરિવારના સભ્યો સામે ગંભીર આક્ષેપો
મૃતક જયંતીભાઈએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તેમના પત્ની, પુત્ર અને સાળી દ્વારા તેમને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. નિવૃત્ત PI ના ભાઈએ પણ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જયંતીભાઈ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ તેમની સાથે પરિવારના સભ્યો દ્વારા અત્યંત ખરાબ વર્તન કરવામાં આવતું હતું. ઘરના જ સભ્યોના આવા વર્તનને કારણે તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા.
સોલા પોલીસની કાર્યવાહી
આ આઘાતજનક ઘટના બાદ સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટના આધારે પોલીસે નિવૃત્ત PI ના પત્ની, પુત્ર અને સાળી વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
આ પણ વાંચો--- Gandhinagar : અધિકારીઓ બેલગામ? ધારાસભ્યોને પણ નથી ગણતા! વિધાનસભાની કમિટીમાં કરી ફરિયાદ










