ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સનદી અધિકારીઓ અને નેતાઓ વચ્ચેનો ગજગ્રાહ ફરી એકવાર સપાટી પર આવ્યો છે. રાજ્યના જનપ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યોની રજૂઆતોને અધિકારીઓ ઘોળીને પી જતા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ વખતે આ મામલો સીધો વિધાનસભાની કમિટી સુધી પહોંચ્યો છે, જેણે વહીવટી તંત્રમાં ચાલતી આડોડાઈ સામે લાલ આંખ કરી છે.
પ્રોટોકોલના ધજાગરા: ધારાસભ્યોની જ અવગણના!
મળતી માહિતી મુજબ, અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના તાજેતરના અહેવાલમાં આ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યોએ સમિતિ સમક્ષ રજૂઆત કરી છે કે, ગાંધીનગરમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ પ્રોટોકોલનું પાલન કરતા નથી. જ્યારે પણ કોઈ લોકપ્રશ્ન કે વિકાસના કામ માટે ધારાસભ્ય અધિકારીનો સંપર્ક કરે છે, ત્યારે તેમને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. ઘણીવાર ટેલિફોનિક વાતચીતમાં કે રૂબરૂ મુલાકાતમાં પણ અધિકારીઓ ઉદ્ધત વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે.
