ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) દ્વારા વર્ષ 2026-27 માટેના નવા ટેરિફ ઓર્ડરની જાહેરાત કરવામાં આવી છે. આ નવા ફેરફારોમાં ખાસ કરીને સ્માર્ટ મીટરનો ઉપયોગ કરનારા ગ્રાહકો અને દિવસ દરમિયાન વધુ વીજળી વાપરનારા ઉદ્યોગો તેમજ રહેણાંક ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નવા નિયમો આગામી 1 એપ્રિલ, 2026 થી સમગ્ર ગુજરાતમાં અમલી બનશે.
સ્માર્ટ મીટર અને રિબેટમાં વધારો
સરકાર દ્વારા સ્માર્ટ મીટરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રિબેટમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સ્માર્ટ મીટર ધારકોને જે 2% રિબેટ મળતું હતું, તેને વધારીને હવે 3% કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારથી મધ્યમ વર્ગના પરિવારોના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
ટાઈમ ઓફ યુઝ (TOU) અને દિવસનું ડિસ્કાઉન્ટ
નવા ટેરિફ મુજબ, 'ટાઈમ ઓફ યુઝ' (TOU) ડિસ્કાઉન્ટના કલાકોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ ડિસ્કાઉન્ટ માત્ર 4 કલાક માટે મળતું હતું, જે હવે વધારીને 6 કલાક કરવામાં આવ્યું છે. ખાસ કરીને બપોરે 11 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ વપરાશ કરનારા ગ્રાહકોને વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. આ નિર્ણય પાછળનો હેતુ સોલર એનર્જીના ઉત્પાદન સમય દરમિયાન વીજ વપરાશ વધારવાનો છે.
ગ્રીન પાવર ટેરિફમાં ઘટાડો
પર્યાવરણને અનુકૂળ વીજળીનો ઉપયોગ વધારવા માટે 'ગ્રીન પાવર ટેરિફ' દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ આ દર રૂ. 0.90 પ્રતિ યુનિટ હતો, જે હવે ઘટાડીને રૂ. 0.75 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. જીઈઆરસીના આ ગ્રાહકલક્ષી નિર્ણયોથી રાજ્યના કરોડો વીજ ગ્રાહકોને આર્થિક ફાયદો થશે. જોકે, ફિક્સ ચાર્જ અને અન્ય સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી, જે રાહતની વાત છે.
આ પણ વાંચો--- Gandhinagar : ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, ભાજપે દિગ્ગજોને સોંપી જવાબદારી, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત