ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે સત્તાવાર રીતે 'પ્રદેશ ચૂંટણી સમિતિ'ની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં સત્તા અને સંગઠન વચ્ચેનો સચોટ સમન્વય જોવા મળી રહ્યો છે.

મુખ્ય ચહેરાઓનો સમાવેશ

નવી જાહેર થયેલી આ સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો સમાવેશ કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી રણનીતિ વિકાસ અને યુવા નેતૃત્વ પર કેન્દ્રિત હશે. આ સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ મહત્વની કમિટીના મુખ્ય સભ્યો રહેશે.

અનુભવી નેતાઓને સ્થાન:

પાર્ટીએ જૂના અને અનુભવી નેતાઓને પણ પૂરતું મહત્વ આપ્યું છે. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુભાઈ બોખિરીયા જેવા દિગ્ગજોને સમિતિમાં સ્થાન આપીને અનુભવના ભાથાનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત, મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરીયા અને અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાને સમાવીને તમામ જ્ઞાતિ-જાતિના સમીકરણો સાધવાનો પ્રયાસ કરાયો છે.

વિશેષ અને આમંત્રિત સભ્યો:

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને પરશોત્તમ રૂપાલા જેવા રાષ્ટ્રીય કદના નેતાઓને વિશેષ આમંત્રિત તરીકે રાખીને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સીધો સંવાદ જાળવી રાખવામાં આવશે. પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ અને જીતુ વાઘાણીની હાજરીથી સમિતિની વ્યૂહરચના વધુ મજબૂત બનશે. પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ અને વર્ષાબેન દોશીને આમંત્રિત સભ્યો તરીકે સ્થાન આપીને સંગઠનમાં મહિલા નેતૃત્વને પણ બળ પૂરું પાડવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ ગુજરાત ભાજપમાં ચૂંટણીલક્ષી હલચલ તેજ બની છે.


આ પણ વાંચો----     Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનું મક્કમ નિવેદન, દાદા તરીકે રાજ્યની બહેન દીકરીઓની રક્ષા કરીશ