ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાયદાને રાજ્યની મહિલાઓ અને દીકરીઓ માટે રક્ષણનું કવચ ગણાવ્યું છે. ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે જેણે આ ઐતિહાસિક કાયદો અમલી બનાવવાની દિશામાં ડગલું માંડ્યું છે.

તમામ બહેન-દીકરીઓ માટે 'દાદા' તરીકે ઊભો રહીશ

મુખ્યમંત્રીએ ગૃહને સંબોધતા અત્યંત ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, "હું રાજ્યની તમામ બહેન-દીકરીઓ માટે 'દાદા' તરીકે ઊભો રહીશ અને તેમની રક્ષા કરીશ. જે કોઈ પણ વ્યક્તિ ઓળખ છુપાવીને લગ્ન કરશે અથવા દીકરીઓને હેરાન કરશે, તેની સામે સરકાર કાયદાનો આકરો દંડો ઉગામતા અચકાશે નહીં." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદામાં છેતરપિંડી કરનારાઓ માટે કોઈ સ્થાન નથી.

UCC અંગે મુખ્યમંત્રીની મહત્વની સ્પષ્ટતાઓ

તેમણે કહ્યું કે આ બિલ જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ ભૂલીને તમામ નાગરિકોને એક જ સમાન કાયદાના તાંતણે બાંધવાનો પ્રયાસ છે. તેમણે વિપક્ષના આક્ષેપોને ફગાવતા કહ્યું કે આ કાયદો કોઈની અંગત સ્વતંત્રતા છીનવવા માટે નથી, પરંતુ દરેકને ન્યાય અપાવવા માટે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ તેમાં નોંધણી ફરજિયાત કરીને સુરક્ષા પ્રદાન કરે છે. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં જરૂરી ફેરફારો અને સરળીકરણની પ્રક્રિયા સતત ચાલુ રહેશે.

ગુજરાતમાં સામાજિક સંતુલન જાળવવામાં માઈલસ્ટોન

મુખ્યમંત્રીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સમાન ન્યાય પ્રણાલી માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ કાયદો આવનારા સમયમાં ગુજરાતમાં સામાજિક સંતુલન જાળવવામાં માઈલસ્ટોન સાબિત થશે.


આ પણ વાંચો---     Gandhinagar : ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર, 7.30 કલાકની મેરેથોન ચર્ચા બાદ બહુમતિથી પસાર