ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આજે એક નવું પ્રકરણ ઉમેરાયું છે. છેલ્લા સાડા સાત કલાકથી વધુ સમય સુધી ચાલેલી ગંભીર અને સઘન ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું આવું પગલું ભરનાર બીજું રાજ્ય બન્યું છે.

આજનો દિવસ રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે

બિલ પરના આખરી જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહને સંબોધતા જણાવ્યું હતું કે, "આજનો દિવસ ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ કાયદા દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સમાન ન્યાય મળશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બિલ કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી, પરંતુ બંધારણીય સમાનતા સ્થાપિત કરવા માટેનું એક ક્રાંતિકારી કદમ છે.

બપોરે ૩ વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી

બપોરે ૩ વાગ્યાથી શરૂ થયેલી ચર્ચા રાત્રે મોડે સુધી ચાલી હતી, જેમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના અનેક ધારાસભ્યોએ ભાગ લીધો હતો. આ ચર્ચા દરમિયાન લગ્ન, છૂટાછેડા, વારસા હક અને લિવ-ઈન રિલેશનશિપ જેવા ગંભીર મુદ્દાઓ પર વ્યાપક મંથન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના પ્રત્યુત્તર બાદ ગૃહમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી, જે હવે મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી ગુજરાતમાં સામાજિક સમાનતાના નવા યુગનો પ્રારંભ થશે.


આ પણ વાંચો---     Rajkot : પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવી પડી ભારે, પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો