વિરમગામ-બેચરાજી હાઇવે પર અકસ્માતની એક ગમખ્વાર ઘટના સામે આવી છે. વિરમગામ તાલુકાના ઉખલોડ ગામ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.

સુરેન્દ્રનગરના યુવાનનું કરુણ મોત

આ અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતકની ઓળખ ગભરૂભાઇ કમાભાઇ સાંભળ (ઉંમર વર્ષ 32) તરીકે થઈ છે. મૃતક સુરેન્દ્રનગર જિલ્લાના ધાંધલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જુવાનજોધ પુત્રના મોતના સમાચારથી ધાંધલપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પોલીસ કાર્યવાહી અને તપાસ

ઘટનાની જાણ થતા જ વિરમગામ રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાઇવે પર અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પોલીસે હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. હાલમાં રૂરલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Ahmedabad News: ધંધુકા-ફેદરા રોડ પર ગમખ્વાર અકસ્માત, ડિફેન્ડરની ટક્કરથી બાઈકચાલકનું મોત