નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેમ્પમાં 195 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
195 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત
કાર્યક્રમમાં CAA અંતર્ગત ૧૨૨ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર અને કલેક્ટર કચેરીમાં નોંધાયેલા 73 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળીને કુલ 195 ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ
ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, 'મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.' નાગરિકતા મેળવનાર 195 લોકો માટે આજે અત્યંત આનંદની ક્ષણ છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ૧૯૫ લોકોને એકસાથે નાગરિકતા આપવામાં આવે એવા દૃશ્યો કદાચ જ દેશના બીજા રાજ્યોમાં જોવા મળે. અનેક દેશોમાં વર્ષો સુધી યાતનાઓ વેઠીને અને દુઃખો સહન કરીને ભારતમાં શરણાર્થી તરીકે આવીને વસેલા લોકો વર્ષોથી દેશના વિકાસમાં સહભાગી બન્યા છે.
પાકિસ્તાનમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે
CAA કાયદા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. પાકિસ્તાનમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.
CAA કાયદો મહત્વનો સાબિત થયો
શરણાર્થી નાગરિકોને ભારતમાં ગર્વભેર જીવન જીવવા અને પોતાના સપનાઓ સાકાર કરવામાં CAA કાયદો મહત્વનો સાબિત થયો છે. નાગરિકતા પ્રમાણપત્ર મેળવીને તેઓ વિવિધ અધિકારો અને સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરી શકશે. શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરનારા સૌ નાગરિકો, સામાજિક અગ્રણીઓ અને સંસ્થાઓને પણ નાયબ મુખ્યમંત્રીએ બિરદાવી હતી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને નાયબ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ભારતીય નાગરિકતા મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા.
વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ અને ૧૯૫૬થી ભારતમાં આવીને વસેલા ડો. મહેશકુમાર પુરોહિતે આ પ્રસંગે પોતાના પ્રતિભાવો વર્ણવતા જણાવ્યું હતું કે આજનો અવસર આનંદનો અવસર છે. સ્થળાંતરણ સમયે તેમણે ભોગવેલી યાતનાઓ સહિત તેમણે વેઠેલી હાલાકીઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "મને પહેલા ખ્યાલ નહોતો કે હું ભારતીય નાગરિક નથી. જ્યારે પાસપોર્ટ કરાવવા ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી પાસે નાગરિકતા નથી, કારણ કે મારો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. નાગરિકતા માટે અનેક પ્રયત્નો કર્યા પછી હવે જઈને નાગરિકતા મળી છે. દીકરી વિદેશ રહેતી હોવાથી નાગરિકતાના અભાવે તેને મળવા પણ જઈ શકતો નહોતો. CAA કાયદો આવ્યા બાદ આ કાયદા અંતર્ગત અરજી કર્યા બાદ ગત એપ્રિલ ૨૦૨૫માં મને નાગરિકતા મળી. નાગરિકતા મળતા પાસપોર્ટ પણ મેળવી શક્યો અને વિદેશ રહેતી દિકરીને પણ મળી શક્યો."
અનેક પરિવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સહાય
નાગરિકતા મેળવનાર પૂજા અભિમન્યુ વ્યવસાયે એન્જિનિયર છે. પોતાના પ્રતિભાવો વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રમાણપત્ર માત્ર એક પેપર નથી, આ અમારા માટે બધું જ છે. નાગરિકતા મેળવનાર સૌ પરિવારો કેન્દ્ર સરકારના આભારી છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે CAA કાયદા થકી અમારા જેવા અનેક પરિવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સહાય કરી છે એમ તેમણે જણાવ્યું હતું.













