અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના મામલે નવો વિવાદ સામે આવ્યો છે. શહેરના ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન પ્રોજેક્ટ માટે હટાવવાની વાતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ જ્યારે આ મામલે સ્થળ પર પહોંચ્યા, ત્યારે સ્થાનિકોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. વિરોધ એટલો ઉગ્ર હતો કે ચેનપુર વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ આમને-સામને આવી ગયા હતા, જેના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
રામધૂન બોલાવી વિરોધ
સ્થાનિકોએ પોતાની ધાર્મિક આસ્થાની જગ્યાને બચાવવા માટે અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસે દરમિયાનગીરી કરી હતી. પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યા અને તેમની સાથે વાતચીત કરીને મામલો શાંત પાડ્યો હતો. આખરે પોલીસની સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. જોકે, વિકાસના આ પ્રોજેક્ટ સામે ધાર્મિક સ્થળને હટાવવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.













