અમદાવાદની વી.એસ. (VS) હોસ્પિટલના વહીવટી તંત્ર સામે સ્ટાફ નર્સની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ દ્વારા 40 જેટલા સ્ટાફ નર્સને ટ્રાન્સફર આપવામાં આવ્યું હોવા છતાં તેઓ નવી જગ્યા પર હાજર થયા નથી. VS હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી હોવાના કારણોસર, વહીવટી સરળતા માટે આ 40 નર્સનું ટ્રાન્સફર અન્ય હોસ્પિટલોમાં કરવામાં આવ્યું હતું. તેમને એલજી (LG) અને શારદાબેન હોસ્પિટલમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આદેશનો અનાદર
આ 40 નર્સને નવી હોસ્પિટલોમાં 1 ડિસેમ્બરે હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, તેમ છતાં તેમણે આ આદેશનો અનાદર કર્યો છે. હાલમાં પણ આ તમામ નર્સ VS હોસ્પિટલમાં જ હાજરી પુરાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. નર્સના આ વલણને કારણે વહીવટી તંત્રને મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ, સ્ટાફની જરૂરિયાત ધરાવતી LG અને શારદાબેન હોસ્પિટલોમાં સ્ટાફની તંગી યથાવત્ રહી છે. આ દાદાગીરી સામે વહીવટી તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.













