રાજકોટમાં એક યુવતીને તેના જ ધંધાકીય ભાગીદાર દ્વારા માર મારવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ મારપીટના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ગંભીર ઘટનાની પુષ્ટિ કરે છે. યુવતીના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરાએ તેને ધ સ્પાયર 2 બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાં ઢોર માર માર્યો હતો. પીડિતાના જણાવ્યા અનુસાર, યુવતીએ ધંધા માટે રૂ. 60 લાખની લોન લીધી હોવાના વિવાદમાં આ મારપીટ કરવામાં આવી હતી. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2022થી તેઓ ભાગીદારીનો ધંધો કરતા હતા. પરંતુ, જ્યારે પણ તે પૈસા કે હિસાબની વાત કરતી, ત્યારે ભાગીદાર મૌલિક ઉશ્કેરાઇ જતો હતો અને તેની સાથે અમાનવીય વર્તન કરતો હતો.

પીડિતાનો આક્રંદ અને આક્ષેપો

મારામારીની આ ઘટના જૂન 2025માં બની હતી, પરંતુ પીડિતાએ અંતે કંટાળીને અને હદ વટાવી દેવાતા ગત 9 ડિસેમ્બરે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મૌલિક નાદપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ પોતાના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "હવે હદ થઈ હોવાથી પોલીસ ફરિયાદ કરી છે અને મને ન્યાય જોઈએ છે." તેણે માંગણી કરી છે કે, "મેં રોકેલા પૈસા મને પરત જોઈએ છે અને મૌલિકને જેલની સજા થાય." પીડિતાએ એમ પણ જણાવ્યું હતું કે, સમાધાન માટે મૌલિકના પપ્પાએ પણ ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ મામલો ઉકેલાયો નહોતો. હાલમાં યુનિવર્સિટી પોલીસે CCTV ફૂટેજ અને પીડિતાના નિવેદનના આધારે આરોપી મૌલિક નાદપરા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.