અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા ગોતા ઓવરબ્રિજ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે એસ.જી. વન ટ્રાફિક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બે બાઈક સવારના જીવ લેનારા ડમ્પરના ચાલકની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ, અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ નહોતું.

ડ્રાઈવર અને માલિક સામે સકંજો

ટ્રાફિક પોલીસે સાણંદના બોળ ગામના રહેવાસી વિમલ ડોડીયારની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિમલ લાયસન્સ વગર જ રોડ પર ભારે વાહન હંકારી રહ્યો હતો. આ ગંભીર બેદરકારીને પગલે પોલીસે માત્ર ડ્રાઈવર જ નહીં, પરંતુ ડમ્પરના માલિક કેયુર બારોટ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. લાયસન્સ વગરના વ્યક્તિને વાહન સોંપવા બદલ માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શું હતી ઘટના?

ઉલ્લેખનીય છે કે, ગોતા ઓવરબ્રિજ પર પૂરપાટ ઝડપે આવી રહેલા આ ડમ્પરે બાઈકને અડફેટે લીધી હતી, જેમાં બે આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે અમદાવાદના ટ્રાફિક અને રોડ સેફ્ટી પર અનેક સવાલો ઉભા થયા હતા.

પોલીસનો કડક સંદેશ

એસ.જી. વન ટ્રાફિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, શહેરના ઓવરબ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ અને ચાલકોના લાયસન્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. જે વાહન માલિકો લાયસન્સ વગરના ડ્રાઈવરો પાસે વાહન ચલાવડાવશે તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. હાલમાં વિમલ ડોડીયાર પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો---    Dahod: કાળજું કંપાવતી ઘટના, કૌટુંબિક કંકાસમાં માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોતથી પંથકમાં અરેરાટી