દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના વડભેટ ગામેથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં કૌટુંબિક વિખવાદ અને ઘરેલુ કંકાસની પરાકાષ્ઠાએ એક માતાને એટલી મજબૂર કરી દીધી કે તેણે પોતાના ચાર માસૂમ બાળકો સાથે કૂવામાં પડતું મૂક્યું હતું. આ હૃદયદ્રાવક સામૂહિક આપઘાતના પ્રયાસમાં ત્રણ માસૂમ બાળકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે માતા અને એક પુત્રીનો ચમત્કારિક બચાવ થયો છે.
ઘટનાની વિગત
મળતી માહિતી અનુસાર, વડભેટ ગામના સીમાડે રહેતી ચંપાબેન રાઠવા નામની મહિલાએ કૌટુંબિક કારણોસર ચાર સંતાનો સાથે ગામના સીમાડે આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, કૂવામાંથી બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં ત્રણ બાળકોના શ્વાસ થંભી ગયા હતા.
મૃતક બાળકો અને ઈજાગ્રસ્તો
આ કરૂણ ઘટનામાં 12 વર્ષની પુત્રી પ્રિયંકા, 5 વર્ષનો પુત્ર ગિરિરાજ અને 2 વર્ષના માસૂમ રાજવીરનું મોત નિપજ્યું છે. એકસાથે ત્રણ-ત્રણ સંતાનોના મોતથી આખા પરિવાર અને પંથકમાં માતમ છવાઈ ગયો છે. બીજી તરફ, માતા ચંપાબેન અને અન્ય એક પુત્રી સવિતાનો જીવ બચી ગયો છે. બંનેને તાત્કાલિક દેવગઢબારીયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ તપાસ શરૂ
બનાવની જાણ થતા જ દેવગઢબારીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કૌટુંબિક એવા કયા કારણો હતા જેને લીધે માતાએ આટલું આત્મઘાતી પગલું ભરવું પડ્યું, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ પણ વાંચો---- Local Body Elections 2026 : પંચમહાલ કોંગ્રેસમાં ભૂકંપ, જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ પાયમાલ