એએમસીના ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વિસ્તારમાં સિંધુભવન ઓક્સિજન પાર્કની બાજુમાં રૂ.૫૯૨ કરોડના ખર્ચે બનનારા ૧૭૫ મીટરના સિટી સ્ક્વેર સેન્ટરનું ટેન્ડર ૧૦મી એપ્રિલે બહાર પડશે. એએમસીએ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આ ભારતનો સૌથી ઊંચો ગગનચુંબી ટાવર હોવાનો દાવો કર્યો છે.
અમદાવાદમાં આધુનિક સીટી સ્ક્વેર
સિટી સ્ક્વેર સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે ૧૪ મીટર સુધીના ૩ બેઝમેન્ટમાં ૧૯૫ કાર અને ૧૧૦૯ ટુ-વ્હીલર પાર્કિંગની ક્ષમતા રહેશે. ૪૦ મીટરની ઊંચાઈ પર બે ફ્લોરમાં બનનારી રેસ્ટોરન્ટમાં ૯૦૦ માણસો એક સાથે બેસી શકશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ત્રણ વર્ષનો સમય લાગશે. સિંધુભવન ખાતે ૧૭૫ મીટરની ટોચ પર સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા અને એમ્ફીથિયેટર હશે. ટોચ પર એકસાથે 75 લોકો અમદાવાદના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકશે. મ્યુનિ. અધિકારીઓએ દાવો કર્યો છે કે, વર્ટિકલ સ્ટ્રક્ચરની દૃષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ ક્યાંય નહીં હોય.
