અમદાવાદ શહેરના ભાટ ગામ નજીક કોઠારી હોસ્પિટલ પાસે એક માસૂમ નવજાત બાળક મળી આવવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. માનવતાને શરમાવે તેવી આ ઘટનામાં એરપોર્ટ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને બાળકને ત્યજી દેનાર તેની સગી માતા અને તેની સાથેની અન્ય એક યુવતીની ધરપકડ કરી લીધી છે.

ઘટનાની ચોંકાવનારી વિગતો

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવજાત બાળકની માતાના અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે. છૂટાછેડા બાદ આ યુવતીને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે, યુવતીનો પ્રેમી આ નવજાત બાળકને સ્વીકારવા તૈયાર નહોતો.

પ્રેમમાં અંધ બની પેટના ટુકડાને તરછોડ્યો

માહિતી મુજબ, યુવકને આ નવજાત બાળક પસંદ ન હોવાથી અને તેને સ્વીકારવાની મનાઈ કરી હોવાથી, યુવતીએ પોતાના પ્રેમીને ખુશ રાખવા માટે પોતાના જ લોહીના ટુકડાને રસ્તા પર ત્યજી દેવાનો કઠોર નિર્ણય લીધો હતો. આ કૃત્યમાં તેને અન્ય એક યુવતીએ પણ સાથ આપ્યો હતો.

પોલીસ કાર્યવાહી

એરપોર્ટ પોલીસે બંને યુવતીઓની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરી છે. માસૂમ બાળકીને અત્યારે સલામત સ્થળે ખસેડવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને યુવતીના પ્રેમીની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરી છે. એક માસૂમ જીવને રસ્તે રઝળતો મૂકવાની આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો--   Patan : પોલીસને છંછેડી, હવે ભોગવો, જીલીયા ફાર્મમાં આતંક મચાવનાર 17 લુખ્ખાઓની પોલીસે જાહેરમાં સર્વિસ કરી સરઘસ કાઢ્યું