પાટણ જિલ્લાના ચાણસ્મા પંથકમાં જીલીયા ફાર્મ ખાતે દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારા તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી છે. જીલીયા ગામે બનેલી હિંસક ઘટનામાં સંડોવાયેલા 17 જેટલા શખ્સોની ધરપકડ કર્યા બાદ પાટણ જિલ્લા પોલીસે આજે ચાણસ્માના જાહેર માર્ગો પર તેમનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પૂર્વે જીલીયા ફાર્મ ખાતે કેટલાક અસામાજિક તત્વોએ ભેગા મળીને આતંક મચાવ્યો હતો અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. આ લુખ્ખાગીરીને ગંભીરતાથી લેતા પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ચાણસ્મા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઘટનામાં સામેલ તમામ 17 લુખ્ખાઓને દબોચી લીધા હતા.
