પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં બે મર્ડરની ઘટનાઓ બાદ હવે પોલીસની લાચારીનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. ચાણસ્માના ઝીલીયા ગામ પાસે આવેલા ભાવેશભાઈના ફાર્મ હાઉસ પર 20 જેટલા માથાભારે શખ્સોએ પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ સ્થળ પર હોવા છતાં લુખ્ખાતત્વોના ડરથી ભાગી છૂટી હતી. હવે આ ઘટનામાં પીઆઇ સોલંકી સહિત 8 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવાના આદેશ છુટતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે
PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી
ઉલ્લેખનિય છે કે અગાઉ સમગ્ર મામલે પાટણ DYSP પરેશ રેણુકાનું નિવેદન સામે આવ્યું હતું, જે પોલીસની કામગીરી પર મહોર મારવાને બદલે તેમને શરમશાર કરી રહ્યું છે. તેમણે સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.
પોલીસને જીવ બચાવી ભાગવું પડ્યું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઝીલીયા ગામે રામાપીરનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને 20 જેટલા શખ્સોએ ધારિયા, તલવારો અને લાકડીઓ વડે ફાર્મ હાઉસમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો.
પોલીસની લાચારીનો જીવતો જાગતો પુરાવો
એક અઠવાડિયામાં બે હત્યાઓ અને હવે પોલીસની હાજરીમાં જ પોલીસનું ભાગવું એ પાટણ જિલ્લામાં લુખ્ખાતત્વોના વધેલા મનોબળને દર્શાવે છે. બુટલેગરો અને હિસ્ટ્રી શીટરોમાં હવે પોલીસનો કોઈ જ ડર રહ્યો ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. સવાલ એ ઉઠે છે કે જો 'જન સુરક્ષા' ની ગાડી જ સુરક્ષા ન આપી શકે, તો સામાન્ય જનતાએ કોના ભરોસે રહેવું?
આ પણ વાંચો--- Bharuch : ગેસના બાટલા મળતા નથી ? આ પણ છે એક કારણ, ઝઘડિયામાં ગેસ એજન્સીના ગોડાઉનમાંથી સ્ટોક કીપરે 956 સિલિન્ડર ગાયબ કરી દીધા