અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં 1992માં થયેલી એક જઘન્ય હત્યાના કેસમાં 34 વર્ષ બાદ એવા ચોંકાવનારા ખુલાસા થયા છે જેણે સમગ્ર પોલીસ બેડા અને જનતાને હચમચાવી દીધી છે. કુતુબનગરમાં ક્રાઈમ બ્રાન્ચના ખોદકામ દરમિયાન 18 જેટલા માનવ અવશેષો, જેમાં ખોપરી અને પીઠના ભાગના હાડકાંનો સમાવેશ થાય છે, તે મળી આવતા મહિલાની હત્યાની આશંકા હવે હકીકતમાં બદલાઈ રહી છે.

10 દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે સંપર્ક કર્યો અને રહસ્ય ખુલ્યું

મૃતક ફરજાના ઉર્ફે શબનમના પરિવારે જણાવ્યું કે 10 દિવસ પહેલા પોલીસ અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. ફરજાના 17-18 વર્ષની વયે ઘર છોડીને ચાલી ગઈ હતી. તે સમયે પરિવારે શમશુદ્દીન નામના શખ્સને મળી તપાસ કરી હતી, પરંતુ તેણે "ફરજાના ગુમ થઈ છે" તેમ કહી જૂઠું બોલી પરિવારને અંધારામાં રાખ્યો હતો. આજે સત્ય સામે આવતા પરિવારે ગદગદિત કંઠે કહ્યું, "ક્રાઈમ બ્રાન્ચ અમારા માટે ભગવાન સમાન છે."

DNA ટેસ્ટથી થશે ઓળખ અને હત્યારાઓનો અંત

પોલીસને મળેલા અવશેષો ફરજાનાના જ છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે હવે ફરજાનાના ભાઈ સાથે DNA મેચ કરવામાં આવશે. તપાસમાં સામે આવ્યું છે કે હત્યારાઓએ લાશને જમીનમાં દાટી દીધી હતી અને આશ્ચર્યજનક રીતે હત્યારા પરિવારનો જ એક યુવક ત્યાં દીવાબત્તી કરવા આવતો હતો. આ કેસમાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓના તો વર્ષો પહેલા જ મોત થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ અનેક રહસ્યો જમીનમાં દફન છે જેના પરથી FSL અને DNA રિપોર્ટ બાદ પડદો ઊંચકાશે.


આ પણ વાંચો---     Ahmedabad : કમાણી પડાવી લીધી ને મળ્યો ફક્ત ત્રાસ, પત્નીના પાપે પતિનું મોત, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી