અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા પાસે ખુલ્લા મેદાનમાં ઝડપાયેલા ગેરકાયદેસર ગૌવંશ કતલખાનાના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસના ઝડપાયેલા વોન્ટેડ આરોપી ઝહીરઉદ્દીન ઉર્ફે 'ઝહીર ડબ્બો'નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી દવા ગળ્યા બાદ આરોપીની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે રહસ્ય વધુ ઘેરાયું છે અને વેજલપુર પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
દરોડા દરમિયાન પકડાયું હતું મોટું નેટવર્ક
અત્રે નોંધનીય છે કે, વેજલપુર પોલીસે સોનલ સિનેમા નજીક દરોડો પાડીને ગેરકાયદેસર કતલખાનું ઝડપી પાડ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે 520 કિલો પશુમાંસ, 1 જીવતો વાછરડો, કતલ કરવાના સાધનો, રિક્ષા, કાર અને મોબાઈલ સહિત કુલ 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી મુસ્તાક મલારીવાલા, રઈશ શેખ અને મુનાફ ઉર્ફે કાલુ નામના ૩ આરોપીઓને ઝડપી લીધા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર મોહંમદ સાજીદ ઉર્ફે મુર્ગી અને ઝહીર ડબ્બો સહિત અન્ય 6 આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
