અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે એક મોટા ગેરકાયદે ગૌવધ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સોનલ સિનેમા નજીક આવેલા નેહા ફ્લેટ્સ પાસેના ખુલ્લા મેદાનમાં ઝાડીઓની આડમાં ચાલતા કતલખાના પર પોલીસે દરોડો પાડી 520 કિલોથી વધુ શંકાસ્પદ ગૌમાંસ અને જીવંત વાછરડા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.


ઝીણવટભર્યું ઓપરેશન

વેજલપુર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડને બાતમી મળી હતી કે સોનલ સિનેમા પાસેના મેદાનમાં ગેરકાયદે પશુવધ ચાલી રહ્યો છે. પોલીસે સાક્ષીઓની હાજરીમાં મધરાતે દરોડો પાડતા અંધારામાં ઝાડીઓ પાછળ પશુઓની કતલ કરી રહેલા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી મુશ્તાક મસારીવાલા, રઈઝ શેખ અને મુનાફ દિવાનને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

મુદ્દામાલ અને ચોંકાવનારી વિગતો

દરોડા દરમિયાન પોલીસે અંદાજે ₹1.56 લાખની કિંમતનું 520 કિલો શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કર્યું છે, જેના નમૂના તપાસ માટે FSLમાં મોકલાયા છે. આ સિવાય પોલીસે ₹4.66 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક ઓટો-રિક્શા અને નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર, કતલ માટે વપરાતી છરીઓ, વજનકાંટો અને લાકડાના હાથાવાળા ફાવડા.પાણી અને ઘાસચારા વગર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલું એક વર્ષનું જીવંત વાછરડું (જેને મુક્ત કરાવાયું છે).

માસ્ટરમાઇન્ડ ઝહીર ડબ્બા વોન્ટેડ

તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કતલખાનાનો માસ્ટરમાઇન્ડ ઝહીરુદ્દીન ઉર્ફે ઝહીર ડબ્બા છે. ઝહીર અગાઉ પણ ગૌવંશ કતલના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસ અત્યારે ઝહીરુદ્દીન શેખ, ફરહાન, ગટ્ટુ, ઝીશાન, મરઘી અને આરિફ ઉર્ફે ગોલીની શોધખોળ કરી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પશુ સંરક્ષણ (સુધારા) અધિનિયમ-2017 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો----     CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો

  • Follow us on: