અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC સ્કૂલ બોર્ડ દ્વારા આગામી નાણાકીય વર્ષ માટે 1205 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ આ વખતે બજેટમાં 50 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે સૂચવે છે કે કોર્પોરેશન સરકારી શાળાઓને ખાનગી શાળાઓની સમકક્ષ લાવવા માટે કટિબદ્ધ છે.


AI અને સ્માર્ટ એજ્યુકેશન

આ બજેટની સૌથી મોટી વિશેષતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એજ્યુકેશન છે. સરકારી શાળાના બાળકો પણ ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી AI શિક્ષણ માટે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરની વધુ 54 શાળાઓને અત્યાધુનિક સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

રમતગમત અને સ્કોલરશીપ

માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક અને આર્થિક વિકાસ માટે પણ જોગવાઈઓ કરાઈ છે.સ્પોર્ટ્સ એક્ટિવીટી: રમતગમતને પ્રોત્સાહન આપવા માટે 10 કરોડ રૂપિયા ફાળવાયા છે.

સ્કોલરશીપ યોજના: તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે વધુ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય મહત્વની ફાળવણી

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP): નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

કૌશલ્ય વર્ધન: વિદ્યાર્થિનીઓના સ્કિલ ડેવલપમેન્ટ માટે 10 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

વિકાસથી વિરાસત: સાંસ્કૃતિક વારસાને સમજવા અને જાળવવા માટે 20 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ બજેટ દ્વારા અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં ભણતા લાખો વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ અને નવી તકો ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ  Surat રેલવે LCB ને મળી મોટી સફળતા, મુસાફરોની ઊંઘનો લાભ લઈ ચોરી કરતો ચોર ઝડપાયો



  • Follow us on: