સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેનોમાં સતત થઈ રહેલી ચોરીઓને ડામવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં એક શંકાસ્પદ ઈસમ ચોરીના મુદ્દામાલ સાથે મુસાફરી કરી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને મેહુલ નાનજીભાઈ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.

રેલવેનો પૂર્વ અનુભવ ચોરીમાં વાપર્યો

આરોપી મેહુલ અગાઉ રેલવેમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂક્યો છે. આ કારણે તે ટ્રેનની અંદરની વ્યવસ્થા, મુસાફરોની અવરજવર અને કયો સમય ચોરી માટે સાનુકૂળ છે તેનાથી સારી રીતે માહિતગાર હતો. તે પોતાના સાથીદારો સાથે નડિયાદથી મુંબઈ વચ્ચેની ટ્રેનોમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઘોર નિદ્રામાં હોય, ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ અને કિંમતી પર્સની ચોરી કરી લેતો હતો.

જપ્ત કરાયેલ મુદ્દામાલ

પોલીસે મેહુલ પાસેથી રૂ. 80,290 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં:

ડેલ કંપનીનું લેપટોપ અને ચાર્જર

બે મોંઘા મોબાઈલ ફોન અને સ્માર્ટ વોચ

રોકડ રકમ રૂ. 2,290

9 ગુનાઓની ચોંકાવનારી કબૂલાત

આરોપીની પૂછપરછમાં છેલ્લા બે વર્ષમાં આચરેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાયા છે.

ATM ફ્રોડ: નવસારી પાસે ત્રિવેન્દ્રમ-વેરાવળ એક્સપ્રેસમાંથી બેગ ચોરી કરી, મોબાઈલ ફોન દ્વારા ATM નો પાસવર્ડ બદલીને રૂ. 2,45,000 ઉપાડી લીધા હતા.લોકશક્તિ, લાલકૂવા-બાંદ્રા, હમસફર અને ખાનદેશ એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં સુરત, વડોદરા, ભરૂચ અને વાપી વચ્ચે લેપટોપ, સોનાનું મંગળસૂત્ર અને પર્સની ચોરી કરી હતી. વર્ષ 2024 માં સુરતથી મુંબઈ વચ્ચે મોબાઈલ ચોરીના ગુનામાં મહારાષ્ટ્રના વસઈ રોડ રેલવે પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ Mehsana: DEOની સર્જિકલ સ્ટ્રાઈક, નિયમો નેવે મૂકનાર 4 ખાનગી શાળાઓને ફટકાર્યો લાખોનો દંડ