મહેસાણા જિલ્લામાં શિક્ષણ વિભાગે ખાનગી શાળાઓની મનમાની રોકવા માટે કમર કસી છે. જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે વિદ્યાર્થીઓની સુરક્ષા, શિક્ષકોની લાયકાત અને ફીના મુદ્દે જિલ્લાની વિવિધ શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ અને બેદરકારી સામે આવતા ચાર નામાંકિત શાળાઓને કડક દંડ ફટકારવામાં આવ્યો છે.
કઈ શાળાઓ સામે થઈ કાર્યવાહી?
ઉત્કર્ષ વિદ્યાલય: અહીં શારીરિક શિક્ષણનો અભાવ અને લાયકાત વગરના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોવાનું ખુલતા દંડનીય કાર્યવાહી કરાઈ છે. વિદ્યામંદિર હાઈસ્કૂલ, કડી આ શાળાએ FRC (ફી રેગ્યુલેટરી કમિટી) માં દરખાસ્ત કર્યા વિના જ વિદ્યાર્થીઓ પાસેથી મનસ્વી રીતે ફી ઉઘરાવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ખણુસા, સૌથી ગંભીર બાબત આ શાળામાં જોવા મળી છે. એક વર્ષ અગાઉ અહીં વીજ કરંટથી એક માસૂમ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. તેમ છતાં, તંત્રની તપાસમાં જોવા મળ્યું કે શાળાએ હજુ પણ સેફ્ટીના નિયમોનું પાલન કર્યું નથી. પરિણામે, તંત્રએ કડક વલણ અપનાવી દંડ ફટકાર્યો છે.
તપાસનો દોર યથાવત
જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફી કે શિક્ષકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન અને ફાયર સેફ્ટી બાબતે પણ કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. હાલમાં અન્ય શાળાઓમાં પણ તપાસની પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે. શિક્ષણ વિભાગની આ લાલ આંખને કારણે અન્ય શાળા સંચાલકોમાં પણ દોડધામ મચી ગઈ છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ શાળાઓમાં વ્યાપારીકરણ અટકાવવાનો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: ઘી કાંટાની નવતાડની પોળમાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે 3 થી 4 વ્યક્તિઓ દટાયાની આશંકા!