અમદાવાદમાં સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વેજલપુર પોલીસે વિદેશી નાગરિકોને નિશાન બનાવતા અને છેતરપિંડીના નાણાંને ક્રિપ્ટોકરન્સી (USDT) દ્વારા ભારતીય ચલણમાં કન્વર્ટ કરનાર એક મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. વેજલપુર પોલીસ દ્વારા સોયબ ઘાંચી નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સોયબ ઘાંચી કોલ સેન્ટરના પ્રોસેસિંગ યુનિટનું સંચાલન કરતો હતો. તેનું મુખ્ય કામ છેતરપિંડી દ્વારા મેળવેલા ગિફ્ટ કાર્ડના પ્રોસેસિંગનું હતું.

ઓનલાઇન છેતરપિંડીનું પ્રોસેસિંગ યુનિટ ઝડપાયું

આરોપી વિદેશી નાગરિકો પાસેથી છેતરપિંડીના નાણાં USDT (ક્રિપ્ટોકરન્સી) માં મેળવતો હતો અને ત્યારબાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરી કોલ સેન્ટર્સને પહોંચાડતો હતો. સોયબ સોશિયલ મીડિયા પર અલગ-અલગ ગુપ્ત ગ્રુપો પણ ચલાવતો હતો, જ્યાં તે છેતરપિંડી માટે જરૂરી ડેટા ઓનલાઇન મેળવીને વિવિધ કોલ સેન્ટર્સને મોકલતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જેમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે.