ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને હાઇટેક બનાવવા માટે સરકારે મેન્યુઅલ પદ્ધતિ બંધ કરીને હવે સંપૂર્ણપણે AI થકી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો મોટો નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં RTOની આ ભાવિ કાર્ય પદ્ધતિ ઉજાગર કરતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં આ આધુનિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
ચહેરાની ડિજિટલ ઓળખનો ઉપયોગ કરાશે
નવી વ્યવસ્થા હેઠળ, અરજદારો હવે ઘરે બેઠા જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની એપોઇન્ટમેન્ટ લઈ શકશે. ટેસ્ટ દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચહેરાની ડિજિટલ ઓળખ (ફેસ રેકગ્નિશન) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર ટેસ્ટ ડ્રાઇવ ટ્રેક સંપૂર્ણપણે માનવ હસ્તક્ષેપ મુક્ત (હ્યુમન ઇન્ટરફિયરન્સ વગરનો) રહેશે, જેથી વચેટીયાઓની પ્રથા નાબૂદ થશે. એટલું જ નહીં, ટેસ્ટ આપ્યા બાદ અરજદારને તેનું પરિણામ પણ ઇન્સ્ટન્ટ મળી જશે.
