ભારતીય રેલવેની પ્રીમિયમ ગણાતી એસી ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે.ઉદયપુરથી મુંબઈ બાંદ્રા ટર્મિનસ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (22902)ના થર્ડ એસી ઇકોનોમી કોચમાં રવિવારે રાત્રે વંદા અને ઉંદરોના ભારે ઉપદ્રવને કારણે ભારે હોબાળો મચી ગયો હતો.ટ્રેનમાં આંટાફેરા મારતા ઉંદરો અને વંદાથી ત્રસ્ત થયેલા મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરી અલગ-અલગ સ્ટેશનો પર ત્રણ વખત ચેઈન ખેંચી ટ્રેન થંભાવી દીધી હતી.

મુસાફરોએ ચેઈન પુલિંગનો આશરો લીધો

રેલવેની સફાઈ વ્યવસ્થાથી નારાજ મુસાફરોએ ભાડાના રિફંડની પણ ઉગ માંગ કરી હતી. આ ટ્રેન 24 મેના રોજ રાત્રે 08:50 વાગ્યે ઉદયપુરથી ઉપડી હતી.ટ્રેન શરૂ થયાના ગણતરીના સમયમાં જ થર્ડ એસી કોચની સીટ,કોચની દીવાલ અને ફ્લોર પર મોટા કદના વંદાઓ આતંક મચાવતા જોવા મળ્યાં હતાં.એટલું જ નહીં મુસાફરોના સામાનની આસપાસ અને સીટની નીચે ઉંદરો દોડાદોડ કરી રહ્યા હતા.સુરત આવી રહેલા ધ્રુવકુમાર નામના પેસેન્જરે જણાવ્યું કે, ઉદયપુરથી નીકળતાની સાથે જ મુસાફરોની ધીરજ ખૂટી ગઈ હતી. માવલી સ્ટેશન આવતા સુધીમાં ઓનલાઈન પોર્ટલ અને હેલ્પલાઈન પર અસંખ્ય ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે મુસાફરોએ ચેઈન પુલિંગનો આશરો લીધો હતો.

આખા કોચને સેનિટાઈઝ કરવામાં આવ્યો

મુસાફરોના આક્રોશ બાદ રેલવે સ્ટાફે પ્રાથમિક ધોરણે સ્પ્રે છાંટ્યો હતો,પરંતુ સ્થિતિ થાળે પડી ન હતી. પરિણામે ચિત્તોડગઢ સ્ટેશને ટ્રેન પહોંચતા જ મુસાફરોએ ફરી ચેઈન ખેંચીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.મામલો બિચકતા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે રતલામ સ્ટેશને સ્પેશિયલ ક્લિનિંગ કરાશે.ત્યારબાદ રતલામ ખાતે ટ્રેન પહોંચતા જ આખા કોચને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો અને મુસાફરોની દેખરેખ માટે બે સફાઈ કર્મચારીઓને ટ્રેનમાં જ તૈનાત કરવામાં આવ્યા હતા. મુસાફરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોચની આવી બદતર હાલતને કારણે અસંખ્ય પરિવારો આખી રાત ઊંઘી શક્યા ન હતા.

આ પણ વાંચોઃ Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલ બન્યા 'કોમનમેન', પરિવાર સાથે બરફના ગોળાની માણી લિજ્જત