પોતાની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક વખત જનસામાન્યને સ્પર્શી જાય તેવો અંદાજ જોવા મળ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ ખાસ પ્રોટોકોલ કે કોઈ મોટા ભપકા વગર એક સામાન્ય નાગરિકની જેમ ગાંધીનગરના માર્ગો પર નીકળ્યા હતા. તેઓ પોતાના પરિવારના સભ્યો સાથે પાટનગરની જાણીતી રિલાયન્સ ચોકડી પાસે આવેલા બરફના ગોળાની લારી પર પહોંચ્યા હતા અને મોડી રાત્રે ઠંડા-ઠંડા બરફના ગોળાની મોજ માણી હતી.
પરિવાર સાથે માણી બરફના ગોળાની લિજ્જત
સામાન્ય રીતે મુખ્યમંત્રીની મુવમેન્ટ હોય ત્યારે કડક પોલીસ બંદોબસ્ત અને કાફલો જોવા મળતો હોય છે, પરંતુ સોમવારની મોડી રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યંત સહજ અંદાજમાં પરિવાર સાથે લારી પર ગોળો ખાવા ઉભા રહ્યા હતા. મુખ્યમંત્રીને પોતાની સામે જોઈને ત્યાં હાજર અન્ય ગ્રાહકો અને સ્થાનિક નાગરિકો ક્ષણભર માટે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મુખ્યમંત્રીએ પરિવાર સાથે ત્યાં અલગ-અલગ ફ્લેવરના દેશી બરફ ગોળાની મજા માણી હતી અને ઉનાળાની રાત્રિની ઠંડકનો આનંદ લીધો હતો.
