તારીખ 26 મે 2026 ના રોજ ગુજરાત સહિત દેશભરમાં રાજકીય, વહીવટી અને વ્યૂહાત્મક મોરચે અતિ મહત્વની ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા સુકાનીઓની વરણીથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્વાડ દેશોની હાઈપ્રોફાઈલ બેઠક સુધી, 26 મેના રોજ કઈ મહત્વની કડીઓ જોડાશે.
ગુજરાત પંચાયત અને મહાનગરપાલિકા ઈલેક્શન અપડેટ્સ
- અમદાવાદ મહાનગરપાલિકા (AMC): 26 મેના રોજ અમદાવાદ મનપાની પહેલી સામાન્ય સભા યોજાશે. સવારે 9:00 વાગ્યે શાસક પક્ષ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરોની એક આંતરિક બેઠક મળશે. ત્યારબાદ મેયર અને ડેપ્યુટી મેયરના ઉમેદવારી પત્ર ભરાશે અને સામાન્ય સભામાં સત્તાવાર રીતે નવા મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી પદ સોંપાશે.
- નડિયાદ અને મોરબી મહાનગરપાલિકા: નડિયાદ અને મોરબી મહાનગરપાલિકાના નવા કિંગ (હોદ્દેદારો) નક્કી કરવા માટે પણ 26 મેના રોજ મતદાન અને વરણી થશે. નડિયાદમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી ભગવો લહેરાવો નિશ્ચિત છે. મોરબીમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદો પર નવા ચહેરા જાહેર થશે.
- જામનગર કોર્પોરેશન: જામનગરમાં પણ 26 મેના રોજ નવા મેયર સહિતના પદાધિકારીઓની સત્તાવાર નિયુક્તિ કરી દેવામાં આવશે.
ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારના શપથ ગ્રહણ
તાજેતરમાં પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ઉમરેઠ વિધાનસભા બેઠકના નવનિર્વાચિત ધારાસભ્ય હર્ષદ પરમાર 26 મેના રોજ બપોરે 1:00 વાગ્યે ધારાસભ્ય તરીકેના સત્તાવાર શપથ લેશે. ગાંધીનગર ખાતે યોજાનારા આ શપથ ગ્રહણ સમારંભમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખાસ હાજર રહી તેમને પ્રોત્સાહિત કરશે.
PM નરેન્દ્ર મોદીના શપથગ્રહણને 12 વર્ષ પૂર્ણ
26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. 26 મે 2026 ના રોજ PM મોદીના વડાપ્રધાન પદના સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને ભાજપ છાવણીમાં ઉત્સાહ છે. આ નિમિત્તે દિલ્હીના પૂસા કૃષિ સંસ્થાન ખાતે સવારે 10:30 વાગ્યે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લિખિત પુસ્તક 'અપનાપન' (જે PM મોદી પર આધારિત છે) નું વિમોચન કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સરહદ પ્રવાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજસ્થાન પ્રવાસનો 26 મેના રોજ આખરી દિવસ છે. તેઓ બિકાનેરમાં સરહદ સુરક્ષાની સમીક્ષા માટે 5 જિલ્લાના કલેક્ટર (DM) અને એસપી (SP) સાથે મહત્વની બેઠક કરશે. આ પ્રવાસ બાદ શાહના બોર્ડર મેનેજમેન્ટના કાર્યક્રમો અંતર્ગત 29 મેના રોજ ભુજ (ગુજરાત), 5 જૂને ત્રિપુરા અને 15 જૂને પશ્ચિમ બંગાળ સરહદની મુલાકાત પણ શિડ્યુઅલ થયેલી છે.
દિલ્હીમાં 'ક્વાડ' વિદેશમંત્રીઓની હાઈ-લેવલ બેઠક
વ્યૂહાત્મક દૃષ્ટિએ 26 મેના રોજ નવી દિલ્હી ખાતે વૈશ્વિક સ્તરની 'ક્વાડ' (QUAD) દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. આ બેઠકમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રીઓ ચીનની વધતી દખલગીરી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અંગે મહામંથન કરશે.
ટેલિકોમ સેક્ટરમાં સર્વિસની ગુણવત્તા અને નેટ ન્યુટ્રાલિટી મુદ્દે સંસદીય સમિતિની મહત્વની બેઠક
સંસદની કોમ્યુનિકેશન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્થાયી સમિતિ દ્વારા 26 મે 2026ના રોજ સવારે 11:00 વાગ્યે પાર્લામેન્ટ હાઉસ એનેક્સ (PHA) ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ટેલિકોમ વિભાગના પ્રતિનિધિઓ અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના અધિકારીઓ હાજર રહેશે, જેમાં મુખ્યત્વે 'ટેલિકોમ સેક્ટરમાં સેવાની ગુણવત્તાના ધોરણો અને ગ્રાહક સુરક્ષા' જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને આ બેઠકમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના નેટ ન્યુટ્રાલિટી સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક બ્રીફિંગ અને સમીક્ષા કરવામાં આવશે.
રાષ્ટ્રીય સ્તરની અન્ય મહત્વની હલચલ
- રાષ્ટ્રપતિનો સિક્કિમ પ્રવાસ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 મેથી 3 દિવસના સિક્કિમ પ્રવાસે જશે, જ્યાં તેઓ સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં અને ભારત-ચીન બોર્ડર પર આવેલા નાથુલા પાસની મુલાકાત લેશે.
- દિલ્હી જીમખાના ક્લબ કેસ: PM આવાસની બિલકુલ નજીક આવેલી 27 એકરની જીમખાના ક્લબને સુરક્ષાના કારણોસર ખાલી કરવાના આદેશ મામલે દિલ્હી હાઈકોર્ટમાં 26 મેના રોજ સુનાવણી હાથ ધરાશે.
- કર્ણાટક કોંગ્રેસ વિવાદ: કર્ણાટકના CM અને ડેપ્યુટી સીએમ વચ્ચે ચાલી રહેલા આંતરિક અસંતોષને ડામવા માટે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ બંને નેતાઓને દિલ્હી તેડાવ્યા છે, જ્યાં હાઈકમાન્ડ સાથે બેઠક થશે.
- ચોમાસાની અપડેટ: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 26 મેના રોજ કેરળમાં ચોમાસાના સત્તાવાર આગમન (મોન્સૂન ઓનસેટ)ને લઈને મોટી અપડેટ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - Ahmedabad News: કુખ્યાત ધમા બારડ પર ફાયરિંગ, ઝપાઝપી બાદ પોલીસે મારી ગોળી