અમદાવાદ શહેરમાં હવાના પ્રદૂષણ (Air Pollution)નું સ્તર સતત વધી રહ્યું છે, જે શહેરવાસીઓના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. શહેરનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 180ની આસપાસ નોંધાયો છે, જે 'અસ્વસ્થ' (Poor) શ્રેણી તરફ ઇશારો કરે છે. જુદા જુદા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ગંભીર બની રહ્યું છે. ગ્યાસપુરમાં AQI 180, બોડકદેવમાં 177, મણિનગર અને ચાંદખેડામાં 175, જ્યારે શાહીબાગ, ઇસરો અને કઠવાડામાં 172 AQI નોંધાયો છે.
શહેરમાં AQIનો લાલ સંકેત
આ પ્રદૂષણ વધવા પાછળ મુખ્યત્વે ઔદ્યોગિક એકમોમાંથી થતું ઉત્સર્જન અને બાંધકામની સાઇટો પરની ધૂળ જવાબદાર છે. હવાના બગડતા સ્તરના કારણે નાગરિકોમાં શ્વાસની તકલીફ અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય બીમારીઓનું જોખમ વધી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તબીબી નિષ્ણાતો દ્વારા બાળકો અને વૃદ્ધોને વિશેષ સાવચેતી રાખવા અને ઘરની બહાર નીકળતી વખતે માસ્ક અવશ્ય પહેરવાની સલાહ આપવામાં આવી છે.













