અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો (IndiGo) એરલાઇનની અનિયમિતતાનો સિલસિલો યથાવત રહ્યો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સતત પાંચમા દિવસે ઇન્ડિગો દ્વારા અમદાવાદથી આવવા-જવાવાળી વધુ 32 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ સાથે જ, છેલ્લા પાંચ દિવસમાં ઇન્ડિગોની રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 200થી પણ વધુ થઈ ગઈ છે.
એરપોર્ટ પર હાહાકાર
ફ્લાઇટ્સ અચાનક રદ થવાના કારણે એરપોર્ટ પર આવતા હજારો મુસાફરો અટવાયા છે. પોતાનો પ્રવાસ રદ થતાં અને વૈકલ્પિક વ્યવસ્થા ન મળતાં પેસેન્જરોમાં રોષ ફેલાયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની સુવિધા માટે ટર્મિનલની બહારના ભાગમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી અટવાયેલા પ્રવાસીઓને રાહત મળી શકે. જોકે, ઇન્ડિગો દ્વારા ફ્લાઇટ રદ થવાના ચોક્કસ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.













