અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓને સ્મગલિંગ (તસ્કરી) સામે મોટી સફળતા મળી છે. અબુધાબીથી અમદાવાદ લેન્ડ થયેલી એતિહાદ એરલાઇન્સ (Etihad Airways) ની ફ્લાઇટમાંથી કસ્ટમ્સ વિભાગે ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવતી 16,600 નંગ વિદેશી સિગારેટની સ્ટિક્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

ગ્રીન ચેનલ પાર કરવાનો હતો પ્લાન

મળતી વિગતો અનુસાર, કસ્ટમ્સના અધિકારીઓને એરપોર્ટ પર ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે શંકાસ્પદ મુસાફરો પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન કેરળના મલપ્પુરમ અને કોઝીકોડના રહેવાસી એવા બે મુસાફરોની અટકાયત કરીને જ્યારે તેમના સામાનનું સ્કેનિંગ અને સઘન ચેકિંગ કરવામાં આવ્યું, ત્યારે તેમના બેગમાંથી મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની સિગારેટો મળી આવી હતી.

કસ્ટમ્સ એક્ટ-1962 હેઠળ ગુનો દાખલ

આ મુસાફરો પાસેથી પ્રખ્યાત 'માંચેસ્ટર' (Manchester) અને 'ડનહિલ' (Dunhill) બ્રાન્ડના સિગારેટના પેકેટો મળી આવ્યા હતા, જેની કાયદેસરની આયાત માટે તેમની પાસે કોઈ મંજૂરી કે કસ્ટમ્સ ડ્યુટી ચૂકવ્યાના દસ્તાવેજો નહોતા. કસ્ટમ્સ વિભાગે આ તમામ 16,600 સિગારેટ સ્ટિક્સનો જથ્થો કસ્ટમ્સ એક્ટ-૧૯૬૨ (Customs Act-1962) ની વિવિધ કલમો હેઠળ જપ્ત (Seize) કરી લીધો છે. એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા બંને મુસાફરોની અટકાયત કરીને આ જથ્થો ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:Dwarka: ગોમતીઘાટ પર ભારે કરંટ વચ્ચે ન્હાવા જવું ભારે પડ્યું, બે યુવકો ડૂબ્યા, એકનો આબાદ બચાવ