જગત મંદિરની છાયામાં આવેલા પવિત્ર યાત્રાધામ દ્વારકાના ગોમતીઘાટ પરથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. દ્વારકા દર્શનાર્થે આવેલા પ્રવાસીઓમાંથી બે યુવકો ગોમતીઘાટ નજીક દરિયાના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન દરિયાના પાણીના જોરદાર પ્રવાહ અને કરંટને કારણે બંને યુવકો અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ જઈને ડૂબવા લાગ્યા હતા.
એકનો આબાદ બચાવ, અન્ય એક ગરકાવ
યુવકોને ડૂબતા જોઈને ઘાટ પર હાજર સ્થાનિક લોકો અને તરવૈયાઓએ તાત્કાલિક દરિયામાં ઝંપલાવ્યું હતું. સ્થાનિકોએ ભારે જહેમત બાદ એક યુવકને જીવતો બહાર કાઢી લીધો હતો, જેથી તેનો આબાદ બચાવ થયો છે. જો કે, કમનસીબે બીજો યુવક જોતજોતામાં દરિયાના રાક્ષસી મોજા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને લાપતા બન્યો હતો.
