એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ગરમીમાં કરા પડવાની આગાહી કરી છે. તેમણે આગામી ત્રણ દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ દર્શાવી છે.
અમદાવાદમાં હવામાનમાં પલટો આવી શકે છે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી ત્રણ દિવસ એટલે કે, 19થી 21 એપ્રિલ સુધીમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો ભાવનગર, જૂનાગઢ સહિત અમદાવાદમાં હવામાનમાં પલટો આવી શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં વાદળો આવશે. જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કરા પડવાની આગાહી કરી છે.













