ગુજરાતમાં ફોર્મની ચકાસણી દરમિયાન વિપક્ષ અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ ધડાધડ રદ થતા હતાં. બીજી તરફ કેટલાક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતાં. પરંતુ સુરતમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયાના બે દિવસ બાદ એક ઉમેદવારના સોગંદનામાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. વોર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવારે BA પહેલા MA કરી લીધું હોવાનો ભૂલથી ઉલ્લેખ કર્યો હતો. ફોર્મમાં ભૂલ હોવા છતાં આ ફોર્મ મંજૂર કેવી રીતે થયું તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે.

સુધા પાંડેના ફોર્મમાં ક્ષતિ હોવાનું બહાર આવ્યું

સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 29ના ભાજપના મહિલા ઉમેદવાર સુધા પાંડેના ફોર્મમાં ક્ષતિ હોવાનું બહાર આવ્યું છે. તેમના ફોર્મના સોગંદનામામાં શૈક્ષણિક લાયકાતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. તેમની શૈક્ષણિક વિગતોમાં હાસ્યાસ્પદ ગંભીર છબરડો બહાર આવ્યો છે. તેમણે સોગંદનામામાં BA પહેલા MAની ડિગ્રી મેળવી હોવાનું જણાવ્યું છે. ભાજપના ઉમેદવાર સુધા પાંડેએ બીએની ડિગ્રી 1997માં મેળવી હતી. જ્યારે MAની ડિગ્રી 1996માં મેળવી હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.

ગંભીર છબરડો હોવા છતાં ફોર્મ કેમ રદ ના થયું

જયારે ફોર્મની ચકાસણી થતી હતી ત્યારે તપાસમાં જ આવા છબરડાની ગંભીર નોંધ લઈને ફોર્મ રદ કરવું જોઈતુ હતું. વોર્ડ નંબર 29માં આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે અને ઉમેદવારની પ્રામાણિકતા અને લાયકાત અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ એવા પણ સવાલો ઉભા થયાં છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષના ઉમેદવારોના ફોર્મમાં નાનામાં નાની ક્ષતિને જોઈને તાત્કાલિક ફોર્મ રદ કરી દેવાયા પણ ભાજપના ઉમેદવારોના ફોર્મમાં કોઈ ઝીણવટ ભરી તપાસ કરાઈ નથી. હવે આ વિવાદ કેટલી હદે વકરશે તે સમય બતાવશે.


આ પણ વાંચોઃ Local body election 2026: મેઘપર ટીટોડી ગામમાં વિકાસના અભાવે ચૂંટણી બહિષ્કારની જાહેરાત