લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના લોકોએ સત્તાધીશો સામે બાયો ચડાવી છે. ગામના મુખ્ય માર્ગોની અત્યંત બિસ્માર હાલતથી કંટાળીને ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર
મેઘપર ટીટોડી ગામને દ્વારકા હાઈવે સાથે જોડતો અને હંજરાપરને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે, તેમ છતાં રસ્તાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી છે. વાસ્તવિકતામાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા, વિદ્યાર્થીઓને શાળાએ જવા અને સ્થાનિક મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.










