ભાવનગર શહેરમાં માતાની છેડતી કરનાર શખ્સોને ઠપકો આપવા ગયેલા પુત્ર અને તેના પરિવાર પર આઠ જેટલા શખ્સોએ હિંસક હુમલો કરી પથ્થરમારો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ભાવનગરમાં આઠ જેટલા શખ્સોએ હિંસક હુમલો કર્યો
બનાવની વિગત એવી છે કે, શહેરના એક વિસ્તારમાં રહેતી મહિલા શાકભાજી લેવા ગઈ હતી, ત્યારે સ્થાનિક અસામાજિક તત્વોએ તેમની છેડતી કરી હતી. આ બાબતે મહિલાના પુત્રને જાણ થતા તે આરોપીઓને ઠપકો આપવા માટે ગયો હતો. પોતાની ભૂલ સુધારવાને બદલે ઉશ્કેરાયેલા હરેશ ઉર્ફે ભાકો પરમાર અને તેના સાથીદારોએ પુત્ર પર હુમલો કર્યો હતો.
ઘર પર પથ્થરમારો અને તોડફોડ
વાત અહીં જ ન અટકી, આઠ જેટલા શખ્સોનું ટોળું મહિલાના ઘરે ધસી આવ્યું હતું. ટોળાએ ઘર પર બેફામ પથ્થરમારો કર્યો હતો અને ઘર પાસે પાર્ક કરેલી બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને શહેરની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
પોલીસ કાર્યવાહી
ભોગ બનનાર પરિવારે આ મામલે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હરેશ ઉર્ફે ભાકો પરમાર, રાહુલ પરમાર, હર્ષિલ પરમાર, હર્ષદ ચૌહાણ, વિરલ ચૌહાણ, અમિત ડાભી અને રામો સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Bharuch: વાલિયામાં માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ રાજુ ગામીતને 500 શકમંદોની પૂછપરછ બાદ પોલીસે ઝડપી પાડ્યો