અમદાવાદ શહેરના ટ્રાફિકની ધમધમતી નસ સમાન સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં આવેલા સુભાષ બ્રિજની સુરક્ષા અને મજબૂતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેના સ્પાન બદલવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ મોટા ઓપરેશનને કારણે બ્રિજ લાંબા સમય સુધી વાહનવ્યવહાર માટે બંધ રહે તેવી પ્રબળ શક્યતા છે.


9 મહિના સુધીનો 'મેગા બ્લોક'

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના સુભાષ બ્રિજના રીપેરિંગની કામગીરી અત્યંત જટિલ હોવાથી તેને અંદાજે 9 મહિના જેટલા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી શકે છે. સુભાષ બ્રિજ સાબરમતીના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતો મહત્વનો પુલ છે. જો આ બ્રિજ આટલા લાંબા સમય માટે બંધ થશે, તો RTO, સાબરમતી અને આશ્રમ રોડ તરફ જતા હજારો વાહનચાલકોની મુશ્કેલીમાં ધરખમ વધારો થશે.

તંત્ર દ્વારા મહત્વની બેઠક

આ ગંભીર પરિસ્થિતિને જોતા હાલમાં માર્ગ અને મકાન વિભાગ (R & B) તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) વચ્ચે હાઈ-લેવલ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ટ્રાફિક ડાયવર્ઝન, વૈકલ્પિક રસ્તાઓ અને કામગીરીના સમયગાળા અંગે અંતિમ મંજૂરી લેવામાં આવશે.

આવતીકાલે આવી શકે છે સત્તાવાર જાહેરાત

બ્રિજના સમારકામને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. આ જાહેરનામા બાદ જ સ્પષ્ટ થશે કે કયા પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકાશે અને કયા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકાશે. અમદાવાદીઓએ હવે આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા માટે અત્યારથી જ માનસિક રીતે તૈયાર રહેવું પડશે. બ્રિજનું રીપેરિંગ અનિવાર્ય છે, પરંતુ 9 મહિનાનો સમય શહેરીજનોની ધીરજની કસોટી સમાન સાબિત થશે.


આ પણ વાંચો - Ahmedabad News : 15 વર્ષ બાદ ન્યાય, DRT ના રિકવરી ઇન્સ્પેક્ટર અને વકીલ લાંચ કેસમાં દોષિત જાહેર, 2 વર્ષની જેલની સજા


  • Follow us on: